president

પ્રમુખશ્રી નો પરિચય

શ્રી રમેશચંદ્ર મુળજીભાઈ ટુકડિયા
પ્રમુખ શ્રી રમેશચંદ્ર મુળજીભાઈ ટુકડિયા
પ્રમુખ શ્રી રમેશચંદ્ર મુળજીભાઈ ટુકડિયા
ઈશ્વરે જેમને જન્મથી આંખની રોશની ન આપી હોવાં છતાં દિવ્યચક્ષુ થી જીવનને રૉશન કરનાર મૂળ રામ નામ ધરાવતા શ્રી રમેશચંદ્ર ઍમ. ટુકડીયાનો જન્મ તારીખ 17 મે 1954 ના રોજ મોકર ખાતે થયો હતો. પિતા શ્રી મૂળજીભાઈ હીરજીભાઈ ટુકડીયા તથા માતા રાણીબેન ધાર્મિક વૃતિના હતા અને વ્યવસાયે ખેડૂત હતા. પ્રાથમિક અભ્યાસ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદર ખાતે કરેલ ત્યારબાદ અંધ વિદ્યાર્થી ભવન, વિસાવદર ખાતે શિક્ષણ મેળવેલ. માર્ચ 1970 માં ઍસ.ઍસ.સી. પરીક્ષા પાસ કરેલ. 1970 થી 1974 કૉલેજ અભ્યાસ કે.ઍમ.માધવાની કૉલેજ, પોરબંદરમાં બી.ઍ. સંસ્કૃત સાથે પ્રથમ વર્ગ માં ઉતિર્ણ કરેલ ત્યારબાદ ઍમ.ઍ. નો અભ્યાસ બાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ ખાતે L.L.B. નો અભ્યાસ મુનિસિપલ લૉ કૉલેજ, પોરબંદર ખાતે કરેલ. પરંતુ સંજોગોવસાત બંને અભ્યાસક્રમો અપૂર્ણ રહ્યા હતા. ત્યારબાદ બી.ઍડ. નો અભ્યાસ 1976 ના વર્ષમાં શ્રી રામબા ગ્રૅજુયેટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ, પોરબંદર ખાતે પૂર્ણ કરેલ તેમાં સંસ્કૃત, હિંદી વિષયો સાથે 59% થી પાસ થયેલ.

ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુઑને માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે પાત્ર ગણવામાં આવતા ન હતા તેવા સંજોગોમાં પણ સંઘર્ષ કરી 28 જાન્યુઆરી 1978 ના રોજ ભાવસિંહજી હાઇસ્કૂલ, પોરબંદર ખાતે શિક્ષક તરીકે સેવામાં જોડાયેલ. વર્ષ 1983 થી 1989 સરકારી શિક્ષક સંઘ, પોરબંદર ના પ્રમુખ તરીકે તથા 1984 થી 1988 સુધી માધ્યમિક – ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના રાજ્ય કરોબારી તરીકે વરણી પામેલ.

પોતાની માતૃભૂમિ મોકરમાં માધ્યમિક શાળામાં ધોરણ 8-9-10 શરૂ કરવા જહેમત ઉઠાવેલ અને 22 જૂન 1989 થી માધ્યમિક શાળા મોકર ની સ્થાપના કરેલ અને 1988 થી 2002 સુધી સરસ્વતી કેળવણી મંડળ મોકરના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપેલ અને તે સમયગાળા દરમ્યાન ભગવતાચાર્ય શ્રી કિરીટભાઈ ની સહાયથી માધ્યમિક શાળા મોકરના વિશાળ ભવનનું નિર્માણ કરેલ અને 2 ઑગસ્ટ 1996 નારોજ તેનું ઉદઘાટન કરવામાં આવેલ. ઉપરાંત શાળાના બાળકોને અભ્યાસ અને ઇતર પ્રવૃતિ માટે પ્રોત્સાહીત કરેલ અને કન્યા કેળવણી માટે ગામમાં ઘેર ઘેર જઈ વાલીઑને સમજાવી દીકરીઓને માધ્યમિક શિક્ષણ લેવા જેહાદ જગાવેલ.

દરમ્યાન ભાવસિંહજી હાઇસ્કૂલ ખાતેથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઍલ.કે.સ્કૂલ, કેશોદ ખાતે બદલી પામેલ અને 14 જૂન 1990 નારોજ રાણાવાવ ખાતે બદલી કરી આપવામાં આવેલ. 1990 થી 2008 સુધી સરકારી હાઇસ્કૂલ, રાણાવાવ ના ઈન્ચાર્જ આચાર્ય તરીકે સેવાઓ આપેલ અને રાણાવાવમાં ઍસ.ઍસ.સી. નું કેન્દ્ર , ચિત્રકામ પરીક્ષા નુ કેન્દ્ર લાવવામાં ખૂબજ મહેનત કરેલ. તે બદલ તેઓની વ્યાપક પ્રશંસા કરાયેલ હતી.

2008 થી પુનઃ ભાવસિંહજી હાઇસ્કૂલ ખાતે બદલી થતાં 19 જુલાઇ 2011 થી 31 મે 2012 નિવૃતિ સુધી ભાવસિંહજી હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવેલ અને તે સમયગાળા દરમ્યાન ભાવસિંહજી હાઇસ્કૂલમાં વર્ષોથી સરકારી ક્વાટર નો અનધિકૃત કબજો જમાવી બેઠેલા શખ્સો પાસેથી સરકારી મિલકત પરત મેળવવામાં ખૂબ જ મહેનત કરેલ અને આખરે 25 વર્ષની પેશકદમી દૂર કરાવેલ. ઉપરાંત ભાવસિંહજી હાઇસ્કૂલના કંપાઉન્ડમાં પાછળ ના ભુતનાથ મંદિર પાસે કેટલાક કહેવાતા માથાભારે તત્વો દ્વારા કરવામાં આવતી પેશકદમી અટકાવવામાં ખુબજ હિંમત દાખવેલ.

નિવૃતિબાદ યુરોપના દેશોનો પ્રવાસ તથા સંયુક્ત આરબ અમીરાત નો પ્રવાસ ખેડી અનુભવ નુ ભાથું અર્જિત કરેલ.

સંતાનો માં 3 પુત્રીઑ અને 2 પુત્રો છે. મોટી પુત્રી સરકારી આદર્શ નિવાસી શાળા- વાનાણા. બીજા નંબરની પુત્રી પ્રાથમિક શાળા વડોદરા અને ત્રીજા નંબરની પ્રાથમિક શિક્ષિકા તરીકે રાણાવાવમાં તથા પુત્રોમાં ઍક દિવ્યાંગભાઇ કુટુંબ સાથે અમેરિકાના કોલોરાડો રાજ્ય નાં ડેનેવરમાં ટ્રીમ્બર લિમિટેડ નામની કંપની માં સૉફ્ટવેર ઇંજિનિયર તરીકે તથા બીજા પુત્ર ચેતનભાઈ પાવર ગ્રિડ કૉર્પોરેશન ઓફ ઇંડિયા માં ઇંજિનિયર તરીકે વાપી સ્થિત થયેલ છે.

શ્રી રમેશચંદ્ર ટુકડીયા નીડર સ્વભાવના અને હિંમતવાન તરીકે જાણીતા છે. સેવાકાળ દરમિયાન ગુજરાત રાજ્ય શિક્ષણ ઍવા વર્ગ 3 (નોન ક્લેરીકલ) માં સરકારી કર્મચારી મંડળના રાજ્ય કક્ષાના મહામંત્રી તરીકે 2009 થી 2011 ના સમયગાળા માં તેઓઍ સરકારી માધ્યમિક- ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ઉમદા સેવા બજાવેલ અને નીડરતા અને હિમ્મતભેર તેઓના પ્રશ્નોને વાચા આપેલ.

શ્રી રમેશચંદ્ર ટુકડીયાના શોખમાં સંગીત – નાટક – વાંચન – લેખન – પર્યટન અને સમાજ સેવા મુખ્ય છે.

ઉપરાંત રાષ્ટ્રીય અંધજન મંડળ, પોરબંદર જીલ્લા શાખાના મહામંત્રી તરીકે 2004 થી પ્રજ્ઞાચક્ષુ ની સહાયતા માટે સેવા આપેલ છે. તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્યના કારોબારી સભ્ય તરીકે 2005 થી કાર્યરત છે અને ડેવેલપમેંટ ટ્રસ્ટ ફોર ધ ડીસેબલ્ડ ના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે 2002 થી કાર્યરત છે.