ઇતીહાસ
આપણા અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ ના ઇતીહાસ ની વાત કરીયે તો જ્ઞાતિ ઍટલે જ્ઞા=જાણવું ઉપરથી ઉતરી આવેલ હોય તેમ મનાય છે. જ્યાં કુટુંબો ઍક ગોત્ર-કુળના હોય ઍક બીજા ને પરિચિત હોય તેને જ્ઞાતિ કહેવાય. આમ તો જ્ઞાતિ શબ્દ ઘણો અર્વાચીન છે. જ્ઞાતિ માટે અંગ્રેજીમાં CAST = કોમ્યુનિટી શબ્દ પ્રયોજાઈ છે. જેની સમાજશાસ્ત્રીઓ ઍ વ્યાપક પ્રમાણ માં વ્યાખ્યા કરેલ છે. આપણે તો ઍટલું સમજી લઈઍ કુટુંબ કરતાં મોટી-સામાજીક સંસ્થા કે જ્ઞાતિ છે.
ભારતીય સંસ્કૃતિની વાત કરીઍ તો ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ ને બદલે વર્ણ પ્રથા પ્રચલિત હતી. વેદકાલીન સંસ્કૃતિમાં બ્રાહ્મણ – ક્ષત્રીય – વૈશ્ય અને શુદ્ર ઍમ ચતુવર્ણ ની સંકલ્પના છે. તેમાં બ્રાહ્મણનું સ્થાન સર્વોપરી છે. બ્રાહ્મણ માટે વીજ – વિપ્ર શબ્દ પ્રયોજાય છે. બ્રાહ્મણ ની પારિવારિક વ્યાખ્યા આપીઍ તો ‘ब्रह्म जानाति इति ब्राह्मन’ ઍટલે કે જે બ્રહ્મ ને જાણે છે તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નો અન્ય ઍક અર્થ ઍવો છે કે ब्राह्मन શબ્દ પરથી બ્રાહ્મણ શબ્દ આવ્યો છે. અહી ब्राह्मन ઍટલે ઈશ્વર કે દેવ ઍવો અર્થ થાય છે તે બ્રાહ્મણોને ઈશ્વર તુલ્ય ગણવામાં આવે છે. જોકે વર્ણપ્રથા કર્મના આધારે બનાવામાં આવે છે ઍટલે વેદમાં કહ્યું છે જન્મના જાય તે બ્રાહ્મણ. સંસ્કારે દ્વિજ ઉચરે ઍટલે કોઈ માણસ માત્ર
જન્મથી પર્યાપ્ત હોય ઍટલું પર્યાપ્ત નથી તે સંસ્કારથી દ્વિજ કહેવાય છે.
મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, વેદ વેદાંત અને રામાયણ-મહાભારત માં બ્રાહ્મણોના લક્ષણોની ચર્ચા કરવામાં આવેલ છે. તેમાં યજ્ઞ યજ્ઞાતિ ક્રિયાકાંડ અધ્યયન – અધ્યાયન શાસ્ત્ર જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ તે બ્રાહ્મણોના મુખ્ય લક્ષણો માનવામાં આવી રહ્યા છે.
બ્રાહ્મણોની અટકો નો અભ્યાસ કરતાં આ બાબતો ચરિતાર્થ થાય છે. જ્યોતિષ નું કાર્ય કરનારા જ્યોતિષ કહેવાયા. શિક્ષક નો વ્યવસાય કરનાર ઉપાધ્યાય અને આચાર્ય ગણાતા. શાસ્ત્રભ્યાસ કરી જ્ઞાન મેળવનારા શાસ્ત્રી કે જ્ઞાની કહેવાયા. પાછળ થી જ્ઞાની માંથી ધ્યાની થઈ ગયું હોય તેમ જણાય છે. ત્રણ વેદોનો અભ્યાસ કરનારા ત્રિવેદી, યજ્ઞ-યજ્ઞાદિ કરનારા પુરોહિત, પંડ્યા, પાઠક વગેરે નામે પ્રચલિત થયા. આમ બ્રાહ્મણો મુખ્યત્વે સમાજના માર્ગદર્શક અને કલ્યાણ ની પ્રવૃતિઓ કરતા રાજાઓ પણ તેમના રાજપુરોહીતો નું માન જાળવતા અને તેમની આજ્ઞા પાળતા. યજ્ઞયજ્ઞાદિ કરનારાઓમાં યજ્ઞના મુખ્ય સંચાલક અર્ધ્વ્યુ કહેવાતા. તે ઉપરાંત ઉદગાતા મંત્રો નું ગાન કરતા. જ્યારે હોતા-હોમાત્મા પ્રવૃતિ કરતા અબોટી બ્રાહ્મણ માં વપરાતો અબોટી શબ્દ કઈરીતે પ્રયોજાયો તે સંશોધનનો પ્રશ્ન છે. કેટલાક વિદ્વાનો ઍવુ માને છે કે અબુધ ઉપરથી અબોટી શબ્દ આવ્યો હોય ઍટલે કે આખુ માં વસતા બ્રાહ્મણો પાછળથી અબોટી કહેવાયા હોય. બીજી તરફ કેટલાક વિદ્વાનો ઍવુ માને છે કે અજોત નામના સૂર્ય પૂજક નામના બ્રાહ્મણોની જ્ઞાતિ ઈરાનમાંથી ભારત માં સૂર્ય પૂજા માટે બોલાવાયેલી. તેઓ પાછળ થી અબોટી તરીકે ઓળખાના. ભગવદ ગૌમંડળમાં અબોટ ઍટલે કે શુદ્ધ, પવિત્ર ઍવો ઉલ્લેખ છે ઍટલે કે અબોટી બ્રાહ્મણો સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવતા હતા. ઍક માન્યતા ઍવી છે કે કૃષ્ણ અને યાદવ વંશના ગૉર તરીકે અબોટી બ્રાહ્મણો હતા. ભગવાન કૃષ્ણ જ્યારે માથુરા છોડી દ્વારકા આવ્યા ત્યારે તેઓના ગૉર ને સાથે લાવેલા જે પાછળ થી અબોટી કહેવાયા.
જગદમંદિર ની વેબસાઇટ માં તેઓ ઉલ્લેખ છે કે દ્વારકાધીશના મંદિર ની પૂજા અબોટી બ્રાહ્મણો અને દ્વારકા ના ગુગળી બ્રાહ્મણો કરતા પાછળથી મંદિર ની આવક અને દાનની વહેચણી વિશે ગુગળી બ્રાહ્મણ ના મીન કુટુંબ અને અબોટી બ્રાહ્મણો ના ત્રિવેદી કુટુંબ વચ્ચે મોટાપાયે ઝઘડૉ થયો હતો તેથી કેટલાક અબોટી બ્રાહ્મણોના કુટુમ્બો દ્વારકા છોડી અન્યત્ર જતા રહ્યા તે પૈકી પોરબંદર, કેશોદ, કચ્છ અને મહુવામાં કેટલાક લોકો જઈને વસ્યા તેવી માન્યતા છે. તેમાંથી પોરબંદર પંથક માં રહેતા અબોટી બ્રાહ્મણો તે અમે છીઍ.
ભિન્ન માળ ના સ્તંભાલેખ માં પણ મંદિરની આવકનો અમુક હિસ્સો અબોટી બ્રાહ્મણોને આપવાનો ઉલ્લેખ છે. જેથી કેટલાક વિદ્વાનો ભિન્ન માળ ના હોવાનુ મનાય છે.
હવે આપણી જ્ઞાતિના પોરબંદર પંથકના જે અબોટી બ્રાહ્મણો છે તેના ઉલ્લેખ શિવરામ રાજગોર ના પુસ્તક ‘ગુજરાત માં વસતા બ્રાહ્મણો’ માં જોવા મળે છે. તેમાં પોરબંદર આજુબાજુના અબોટી બ્રાહ્મણો માટે ચાકરીયા શબ્દ પ્રયોજાયેલો છે. પરંતુ વાસ્તવ માં તે મોકરીયા હોય તેવું હોય શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈ.સ.1653 માં વલ્લભાચાર્યના પૌત્ર વિઠ્ઠલભાઇ વિઠ્ઠલરાયજી દ્વારા ગુગળી અને અબોટી બ્રાહ્મણ વચ્ચે આવક અને પૂજા બાબતના વિવાદનુ સમાધાન કરાવામાં આવેલ અને તે મુજબ દ્વારકાના ગુગળી બ્રાહ્મણોને અને ધજા ચડાવાનો અધિકાર અબોટી બ્રાહ્મણો ને આપવામાં આવેલ. ઉપરાંત અબોટી બ્રાહ્મણોને દ્વારકા પાસેના રુક્મણી મંદિરની પૂજાનો અધિકાર આપવામાં આવેલ. આમ થવાથી અબોટી બ્રાહ્મણોને રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થતા તેઑઍ વ્યાપક પ્રમાણમાં સ્થળાંતર કર્યુ તેમ માનવામાં આવે છે. મારા અંગત મત અનુસાર દ્વારકાથી સ્થળાંતરીત થયેલ બ્રાહ્મણો સૌ પ્રથમ ઘુમલી ગયા હોવા જોઈઍ કારણ કે તે વખતે પોરબંદર રાજ્યનુ પાટનગર ઘુમલી હતુ ત્યાં રાજ્યાશ્રય મેળવી સ્થિત થયેલા અબોટી બ્રાહ્મણો પાછળથી ઘુમલીયા તરીકે ઓળખાયા હાલ આ કુટુમ્બો મોકર અને ભોદમાં સવિશેષ વસે છે.
ઘુમલિથી કે દ્વારકાથી બીજો ઍક વર્ગ શિંગળામઢ તરફ ગયો હોવો જોયે અને ત્યાં સ્થાયી થતાં તેઓ શિંગડીયા તરીકે ઓળખાયા અને હાલ પણ તેઓના કુળદેવી શિંગડા પાસેના મોઢવાડા પાસે છે. દ્વારકામાંથી કેટલાક અબોટી બ્રાહ્મણો ભોગાત ગામ તરફ ગયા અને ત્યાં વસ્યા. તેઓ ભોગાયતા કહેવાયા. હાલ ભોગાત ગામમાં કોઈ અબોટી બ્રાહ્મણ નથી તેઓ પાછળથી કુતીયાણા તાલુકા ના ગઢવાણા ગામમાં સ્થળાંતરીત થયા હશે ભૌગોલિક રીતે જોઈઍ તો ત્યારબાદ ક્રમશઃ અબોટી બ્રાહ્મણના કુટુમ્બો કુછડી માં વસ્યા હશે. તેઓ કુછડીયા કહેવાયા પાછળથી તેઓ કુતીયાણા તાલુકાના કવલકા ગામે સ્થાયી થયા. બોરીચા ગામ માં વસનાર બોરીચા કહેવાયા. તેઓ પાછળ થી બેરણ ગામે વસ્યા હતા. પોરબંદર માં વસનારા પોરીયા કહેવાયા. હાલ કેડરેશ્વર મંદિર ની પૂજાનો અધિકાર છેલ્લા 300 વર્ષથી તેઓની પાસે હોવાનો ઇતીહાસ છે. ત્યારબાદ દરિયા કિનારે કિનારે ઑડદર માં સ્થાયી થનાર ઓડેદરા તરીકે ઓળખાયા જેઓ પાછળ થી કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામે સ્થાયી થયા. ટુકડા માં સ્થાયી થનારા ટુકડીયા કહેવાયા. ગોસામાં વસતા કુટુમ્બો ગોસિયા અને ગોરિયા ઍવી અટકોથી ઓળખાયા. પોરબંદર તાલુકાના બળેજ ગામમાં વસતા બળેજા તથા કુતીયાણા તાલુકાના જમરા ગામે વસનારા જમરિયા કહેવાયા.
આમ છતાં અબોટી બ્રાહ્મણોની સૌથી વધુ વસ્તી મોકર ગામમાં છે. તેઓ મોકરિયા તરીકે ઓળખાયા. પ્રાપ્ત ઇતીહાસ અનુસાર મોકરમાં અબોટી બ્રાહ્મણો આવ્યા તે પૂર્વે કોળીની વસ્તી હતી પાછળથી બ્રાહ્મણોનુ કામ કરવા અબોટી બ્રાહ્મણો આવ્યા સમય જતા બંને જ્ઞાતિ વચ્ચે કલશ થયો અને પહેલા અબોટી બ્રાહ્મણો સ્થાનાંતરિત થઈ અન્યત્ર જતા રહ્યા. પાછળથી વાઘેરની મદદ લઈ તેઓ સામે ધીંગાનુ કરી વેરનો બદલો વાળ્યો. ત્યારપછી મોકર ગામમાં થી કોળી લોકો અન્યત્ર જતા રહ્યા અને તે જ્ઞાતિ નુ મુખ્ય ગામ બન્યું.
મોકરિયા માં છ પાખી છે તેમાં સૌથી મોટી પાખી શિયાણી છે. જે શિયા બાપાના વંશજો છે અને લાખા બાપાના વંશજો લાખાણા કહેવાયા. લગધીર બાપા ના વંશજો લગધીર કહેવાયા. ગોવિંદ બાપા ણા વંશજો ગોવીંદવીરા કહેવાયા. ભુવા નુ કામ કરતા ભુવા આતના વંશજો ભુવા કહેવાયા. રાજ્યમાં કોઠારીનુ કામ કરતા ઠાકરશી બાપાના વંશજો કોઠારી કહેવાયા કે જેઓઍ 18 મી સદીમાં ભોદ ગામ વસાવ્યું.
હાલ રાણાવાવ, રાણા કંડૉરણા, રાણા બોરડી, વાનાણા, ઢાંક વગેરે ગામોમાં પણ અબોટી બ્રાહ્મણો ની વ્યાપક વસ્તી જોવા મળે છે. આમ છતાં જ્ઞાતિના મુખ્ય ગામો ગણીેતો મોકર, ભોદ, કવલકા, ગઢવાણા, જમરા, બળેજ, ટુકડા, પોરબંદર, મોઢવાડા વગેરે ગામો મુખ્ય ગણી શકાય. જો કે હાલ જુદા જુદા કુરીયર સર્વિસના ધંધા માં ભારતના ખૂણે ખૂણે આ જ્ઞાતિના કુટુમ્બો ફેલાયેલ છે અબોટી બ્રાહ્મણ ની ખાસિયત ઍ છે કે તેઓ ખૂબ જ પરિશ્રમી અને ઉધમશીલ છે તેઓ બ્રાહ્મણો નુ કર્મ કરવા કરતાં મહેનતથી મળેલુ મેળવવામાં સંતોષ રાખે છે.
જોકે મહેર જ્ઞાતિના સંપર્કના કારણે તેઓને જુના પહેરવેશ અને ભાષા ઉપર સ્થાનિક લોકોની અસર જોવા મળે છે. જ્ઞાતિનો મુખ્ય ધંધો ખેતીનો છે. આમ છતાં હાલ ટ્રૅન્સ્પોર્ટેશન, હીરા ઉધ્યોગ અને અન્ય કેટલાક વિદેશોમાં જઈ અર્થોપાર્જન કરે છે. હાલ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, દુબઈ, મસ્કત, સાઉદી અરેબિયા વગેરે દેશો માં આપણી જ્ઞાતિ ફેલાયેલ છે.